Custom Search

7:05 PM

(0) Comments

વસિયતનામું

પ્રિય મિત્રો,




આપણા નશ્વર દેહનો ભરોસોં નથી,તે સત્ય કોણ નથી જાણતું ? તેમાંય કોઈપણ વ્યક્તિનાં, સંતાન ગમે તેટલાં સમજુ કે સંસ્કારી હોય પરંતુ, મોટાભાગે એમ જોવા મળે છેકે, તે વ્યક્તિના સ્વધામ ગયા બાદ, પંદર દિવસમાંજ, તેના સંતાનો, તમામ મર્યાદા ત્યજીને, તે વ્યક્તિએ પાછળ છોડેલી (કે છાંડેલી? ) મિલકતના ભાગ અંગે, અત્યાર સુધી, ઘરની ચાર દિવાલોમાં, સચવાયેલી આબરૂને, જાહેરમાં ફાડીને લીરેલીરા કરે અને સમાજ બધો તમાશો નિહાળે..!!



સહુ કોઈ માને છેકે, યોગ્ય વીલ કર્યા વગર, અચાનક મૃત્યુ થયાના કિસ્સામાં, પાછળથી,મિલકતના વારસદારો વચ્ચે અનેક પ્રકારની કાયદાકીય, માનસિક અને સામાજીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજ મિલકત છેવટે કૉર્ટ-કચેરીના ચક્રવાતમાં ફસાઈને છેવટે કોડીની કિંમતે, કોઈના હાથે જઈ પડે છે.



આ બાબતનું તાજેતરનું શ્રેષ્ઠ ઉદાહરણ,ભારતના વિશાળ ઔદ્યૌગીક ગૃહ, બિરલા કૉર્પોરેશનના સ્વ.ચૅરપર્સન શ્રીમતીપ્રિયવંદા બિરલાએ સન-૨૦૦૪માં, કરેલા વીલના વિવાદનું છે. સ્વ.પ્રિયવંદા બિરલાની કુલ સ્થાવરજંગમ મિલકત રૂપિયા- ૫૦૦૦/ કરોડ (Rs. 50 billion ) ની છે.



સ્વ.પ્રિયવંદા બિરલાએ, આ તમામ મિલકત, સ્વ.રાજેન્દ્ર એસ. લોધાને ( દસકાઓથી તેમના ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, પ્રેસીડન્ટ- Ficci. ; died October 3, 2008 ) આખરી વીલ દ્વારા આપી દેતાં, આખા દેશમાં હોબાળો મચ્યો હતો.



આજ કારણસર, પોતાની હયાતીમાંજ, મિલકત કે દેવું, બંને પરિસ્થિતિમાં,પોતાનાં સંતાનોને ઝઘડતા અટકાવવા,દરેક વ્યક્તિએ, રજિસ્ટર્ડ વસિયતનામું, તૈયાર કરીને, યોગ્ય વ્યક્તિ, વકીલ કે, બેંકના લૉકરમાં સુરક્ષિત મૂકવું જોઈએ.



વસિયતનામું - will



વસિયતનામું એટલે, કોઈ એક વ્યક્તિએ, પોતાની હયાતીમાં, એક અથવા એકથી વધારે વ્યક્તિઓની તરફેણ કે વિરૂદ્ધમાં તૈયાર કરેલો, (S.59 of Indian Succession Act મુજબ) એક એવો કાયદેસરનો દસ્તાવેજ, જે તેના મૃત્યુ બાદ, સ્થાવર-જંગમ મિલ્કત કે દેવાંની, વસિયતનામાં જણાવ્યા પ્રમાણે, વહેંચણી કરવા, તેમના નામે ટ્રાન્સફર કરવા, સરકારી કાયદા દ્વારા માન્ય ગણાય છે.



ટૂંકમાં, વીલ એટલે, કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ, તેની ઈચ્છા અનુસાર, સ્થાવર-જંગમ મિલકતની વહેંચણી, કરવા માટે કાયદેસર માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ.

વીલને, `મરણોપરાંત-પત્ર` અથવા `મૃત્યુપત્ર` પણ કહે છે.



આ માટે આપણા દેશમાં, હિંદુ, મુસ્લિમ, શીખ,ખ્રીસ્તી,પારસી, બુદ્ધિસ્ટ, વગેરે માટે અલગ-અલગ પ્રાવધાન છે. જોકે, S.12 of the Indian Contract Act અનુસાર,૧૮ વર્ષથી નીચેની વયના સગીરને, વીલ બનાવવાનો હક્ક નથી. જોકે, S.113 of Indian Succession Act, 1925 મુજબ, અજન્મા બાળકને પણ વીલનો લાભાર્થી ગણવામાં આવતો નથી.



વસિયતનામું શા માટે ? કારણોઃ-



પુખ્ત વયની, સમજદાર દરેક, વ્યક્તિ એમ ઈચ્છેકે, તેણે પોતાની હયાતીમાં, અત્યંત મહેનત કરીને જે કાંઈ મેળવ્યું છે, તેની વહેંચણી અને યોગ્ય વહીવટ પોતાના મૃત્યુ બાદ, પોતાની ઈચ્છા પ્રમાણે, ન્યાયપૂર્ણ ઢંગથી થાય, પણ તે ત્યારેજ શક્ય બનેકે, આ વ્યક્તિએ મૌખિકને બદલે, પોતાની ઈચ્છાઓ, તદ્દન કાયદેસરરીતે, લેખીતસ્વરૂપે તૈયાર કરીને રાખી હોય.



* આપણી મિલકત અંગે આપણે રજેરજ માહિતી ધરાવતા હોઈ, આપણી ઈચ્છા પ્રમાણે તેનો વહિવટ કરવા.



* મૃત્યુ બાદ, અકારણ કાનૂની ગૂંચવણોમાંથી, બચવા માટે.



* વીલમાં ઉલ્લેખ કરેલી મિલકતોના,વિલંબ વગર, સરળતાથી, હસ્તાંતરણ માટે.



* મિલકતના લાભાર્થીઓમાં, ઉભી થતી ગેરસમજને ટાળવા માટે.



*આ લાભાર્થીઓના સંભવિત ઝઘડાને ટાળવા માટે.



Last Wills - Last Laughs



કેટલીક વ્યક્તિઓ પોતાના વીલને અમર બનાવવા,તેમાં કેટલાંક ખાસ વાક્ય લખે છે, ચાલો આવાં કેટલાંક ` Last Wills - Last Laughs નાં hilarious quotations ` માણીએ.



*(ગુસ્સો) " મારી ઉપપત્ની, જેને હું કાયમ, મારા વીલમાં સ્થાન આપવાનું, કાયમ વચન આપતો હતો, ફક્ત તેનેજ છેલ્લા , ` જે શ્રીકૃષ્ણ વહાલી ...??`..!!"



* (બદલો) " મારા ખાતામાં પડેલી, રૂપિયા એક કરોડની રકમ, મારી પત્નીને, માત્ર શરાબ અને જુગારમાંજ ખર્ચ કરવાની શરતે આપવી,જેણે મને, આમ કરતાં આખી જિંદગી ટોક-ટોક કર્યો છે."



*(બેવફાઈ) " મારી સંપત્તિનો ૯૯ % હિસ્સો મારા વફાદાર કૂતરા ટોમીને અને ૧ % હિસ્સો મારી બેવફા પત્નીને."



*(ગાંડપણ) " મારી સમગ્ર સંપત્તિથી, કાંકરિયા તળાવને વર્ષમાં એકવાર, શરાબથી ભરીને, તેમાં દરેકને નહાવાની છૂટ આપવામાં આવે..!!"



*(મર્મભેદી) " મારી તમામ સંપત્તિ, કૉલેજોને દાનમાં આપી, મારાં ભણેલાં છતાં અભણ સંતાનોને દરેકને, રૂપિયો- ૧/ શબ્દમાં એક,વારસામાં આપવો, જેમણે મને જીવનમાં, ક્યારેય વહાલ નથી કર્યું."



* (વિચિત્ર) " હું નિસંતાન છું, મારી રૂપિયા ૧૦૦/- કરોડની સંપત્તિ, કોકિલાબહેનના ગરીબ દીકરા મૂકેશ અને અનિલને પરસ્પર કૉર્ટકેસ લડવા, વકીલ ફી ચૂકવવા આપવા."



*(રોષ) " હું વાંઢો છું, મારી સંપત્તિનો ૫૦ % હિસ્સો, રાહુલ મહાજનને, વારંવાર સ્વયંવર કરવા અને ૫૦ % હિસ્સો સ્વયંવર બાદ ત્યક્તા હોય તેવી કન્યાઓના ભરણપોષણ માટે આપવો."



વીલમાં ઉલ્લેખ થતી નોંધપાત્ર બાબતોઃ-



*Testator- વીલ બનાવનાર વ્યક્તિ અંગે તમામ જાણકારી.



*Estate-સ્થાવર જંગમ મિલકતઃ- સ્થાવર મિલ્કત, બેંક ઍકાઉન્ટ્સ, નાણાંકીય રોકાણો, વીમા પોલીસીઓ, તથા રોકડ ભંડોળ.



*Executor- વીલનો અમલ કરાવનાર વહિવટદાર.૯કાયદેસર નીમી શકાય છે.)



*Legatee / Beneficiary- વારસદાર



*Probate - મૃત્યુ પામનાર વ્યક્તિની ગેરહાજરીમાં, સ્વર્ગસ્થના વીલને અમલમાં મૂકવા,લાભાર્થીઓના તમામ દાવાઓની ચકાસણી કરીને,વીલને લાગુ

કરવા, કરવામાં આવતી કાનૂની પ્રક્રિયા. (સંબંધિત કૉર્ટ દ્વારા માન્યતાપ્રાપ્ત વીલ.)



*ભારતીય વારસાહક્કના કાયદા-૧૯૨૫, અનુસાર, વીલ બનાવનાર વ્યક્તિની હેરહાજરીમાં (મૃત્યુ બાદ) વહિવટદાર વીલનો અમલ કરાવી શકે છે.

(સગીર, બીનભરોસાપાત્ર વ્યક્તિઓ, માનસિક અસ્વસ્થ,ઉપરાંત વીલના લાભાર્થીઓ, વહિવટદાર થઈ શકતા નથી.)



*બીલ બનાવનારના મૃત્યુના, સાત દિવસ વિત્યા બાદ, પ્રોબૅટની મંજૂરી આપી શકાય છે.



* વહિવટદારની નિમણૂંક કર્યા વગર, વીલ બનાવનાર ગુજરી જાય તો, લાભાર્થીઓ સંબંધિત કૉર્ટમાં, એક અરજી કરીને, પ્રૉબેટ મંજૂર કરાવી શકે છે.



વીલનો નિયત ઢાંચો અને ઔપચારીકતાઃ-



* Form of a Will - ચેકંચેકા કર્યા વગરનું સાદા કાગળ પર કરેલું લખાણ.



*Language of a Will - વીલ લખનારની ઈચ્છાને સ્પષ્ટ વ્યક્ત કરતી કોઈ પણ ભાષા.



*Stamp Duty - વીલ બનાવવા, સ્ટેમ્પ ડ્યુટી કે સ્ટેમ્પ પેપરની જરૂર નથી.



*Attestation - બે સાક્ષીની સહી.



*Registration - Under section 18 of the Registration Act મુજબ, રજિસ્ટ્રેશન ફરજિયાત નથી.



*Procedure for Registration - વીલને રજિસ્ટર્ડ કરાવવું હોયતો, સરકારી કચેરીમાં,The Indian Registration Act, 1908 મુજબ, રજિસ્ટ્રાર- સબ રજિસ્ટાર પાસે સાવ નજીવી ફી ભરીને, કરાવી શકાય છે. જોકે તે માટે વીલ લખનાર વ્યક્તિ તથા બંને સાક્ષીઓએ, જેતે અધિકારી પાસે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે.



*Revocation & Amendment - લખેલું વીલ પોતાની હયાતીમાં ગમેત્યારે, સુધારી શકાય, પાછું ખેંચી શકાય કે રદ કરી શકાય,નવું બનાવી શકાય છે.



*Explanation I to S.59 of ISA મુજબ, હિંદુ પરિણીત સ્ત્રી,પોતાના જીવનકાળ, પોતાના નામે હોય તેવી મિલકતનું વીલ બનાવી શકે છે.



*Explanation II to S.59 of ISA મુજબ, બહેરા,મુંગા અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ, પોતે તેમની સંમતિથી વીલ લખાયું છે,તેથા તેમાં લખેલી વિગતોથી તેઓ પોતે અવગત છે,તેવી સાબિતી આપીને વીલ બનાવી શકે છે.



*Explanation III to S.59 of ISA મુજબ, માનસિક અસ્વસ્થ વ્યક્તિએ, અગાઉ માનસિક સ્વસ્થ હોય ત્યારે બનાવેલા વીલને માન્ય રખાય છે. તે સિવાય ના તમામ માનસિક રોગીઓનાં વીલ અમાન્ય ઠરે છે. આવાં કારણસર, વીલ માન્ય-અમાન્ય કરવા માટે, પુરાવા પુરા પાડવાની જવાબદારી, વીલ પડકારનારના શિરે રહે છે.



*દગા-ફટ્કાથી,જબરદસ્તીથી અને અનુચિત માનસિક દબાણ કરીને લખાવી લીધેલ વીલ અમાન્ય ઠરે છે.



*S.89 of ISA મુજબ, સંદિગ્ધ, અસ્પષ્ટ અને હાસ્યાસ્પદ વિગતો ધરાવતું વીલ અમાન્ય ઠરે છે. (દા.ત. તાજમહેલ કોઈ, કોઈને વીલમાં લખી આપે??)



*S. 124 of ISA મુજબ, અશક્ય,નિરાધાર વીલ અમાન્ય ઠરે છે.દા.ત. ચંદ્ર કે મંગળ પર વેચાણ રાખેલો પ્લોટ.



*S.127 of ISA મુજબ, અનૈતિક અને કાયદાને માન્ય ના હોય તેવી વિગતો ધરાવતું વીલ અમાન્ય ઠરે છે.



સામાન્ય - વીલના પ્રકારઃ-



*મૌખિક બોલીને લખાવેલું વીલ. ( નિરક્ષર અથવા પંગુતા કે અન્ય કારણે.)



* સ્વ હસ્તાક્ષરે જાતે લખેલું વીલ.



* નિર્ધારીત ફૉર્મેટમાં,વીલ લખનાર તથા સાક્ષીઓની સહી કરેલું.



* મૃત્યુના દાખલાની જરૂર ન પડે તે માટે,સાક્ષીઓની હાજરીમાં,તેમની સહીવાળું, સોગંદનામા દ્વારા તૈયાર કરેલું વીલ.



* નિર્ધારિત, કાયદેસર નક્કી કરેલા ફૉર્મેટમાં,સરકારમાન્ય નોટરી સમક્ષ, નોટરાઈઝ કરાવેલું, વીલ.



* ગુપ્તતા ધરાવતું વીલ.(મોટાભાગે મૃત્ય સુધી સીલબંધ વીલ.)



* અન્યોન્ય સંબંધ ધરાવતી વ્યક્તિઓ દ્વારા, અરસ-પરસ લાભાર્થી તરીકે કરી આપેલું વીલ.



* વસિયતનામાનો, વહિવટ કરવા કોઈ અજ્ઞાતને કરી આપેલું વીલ.( ચેરિટિ ટ્રસ્ટ, અજ્ઞાત વહિવટદાર.)



વીલ તૈયાર કરવા સરળ માર્ગદર્શનઃ-



સામાન્યરીતે, એમ માનવામાં આવે છેકે, બીલ બનાવવા હંમેશાં કોઈ વકીલની જરૂર પડે, પણ તેમ નથી.વીલ બનાવવું તે એક સાવ સરળ બાબત છે.

વીલ લખતા સમયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.



* વીલ લખતા અગાઉ,એક કાગળ પર, વીલમાં ઉલ્લેખ થનાર વિગતોની, એક કાચી નોંધ તૈયાર કરવી.જેમાં તમારી સ્થાવર-જંગમ મિલકતના ભવિષ્યના

પ્લાનીંગ અંગેની વિગતો સામેલ હોય. ( પાકું વીલ લખ્યા પછી,આ નોંધ અવશ્ય ફાડી નાંખવી.)



* વીલ હાથ વડે ભૂંસાય નહીં તેવી શાહીથી લખી શકાય.( ટાઈપ કરેલું હોય તેવી ભલામણ છે.)



* સામાન્ય કિંમતની મિલકતના, વીલને કોઈજ સ્ટેમ્પ લગાવવાની કે રજિસ્ટર્ડ કરાવવું ફરજિયાત નથી.



* મોટી કિંમતની મિલકતના વીલને,મિલકતની માર્કેટ વેલ્યુનું પ્રમાણપત્ર મેળવીને, સારા વકીલ પાસે તૈયાર કરાવીને, તેનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ.



* વીલમાં, મિલકતના, લાભાર્થીઓને, તમારી સાથેના સબંધથી (મોટો, નાની,દીકરો કે દીકરી) જેવા સંબોધનથી, ના સંબોધતાં, તેમના નામના સ્પષ્ટ ઉલ્લેખ સાથે, મળનાર લાભની સ્પષ્ટતા કરવી જોઈએ.



*વીલના સગીર લાભાર્થીને,તેના વહિવટદારે તે, પૂખ્ત વયના થાય ત્યારે, વીલ મુજબના લાભ સોંપી દેવાના રહે છે.



*વીમા કંપની-બેંક ખાતાં-શેર સર્ટીફીકેટ વગેરેમાં વારસદાર તરીકે ઉલ્લેખ,વીલ કરનારની હયાતીમાં જ કરી શકાય છે.જો તેમ કર્યું હોય તો બેંકખાતાનંબર-શેર સર્ટીફીકેટનંબર (કંપની) સાથે,વીલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.



* વીલ બનાવ્યા બાદ તેજ સમયે, બે સાક્ષીઓની સહી કરાવવી આવશ્યક છે. આજ કાગળમાં, જેતે સાક્ષીઓનાં પૂરાં નામ-સરનામાં-ટેલીફૉન નંબર વગેરે, વિગતો લખવાનું ચૂકવું ન જોઈએ. (તા.ક. વીલની વિગતો, સાક્ષીઓને વંચાવવી ફરજિયાત નથી.)



* કોઈ અસાધ્ય શારીરિક,માનસિક બીમારીથી પીડાતા દર્દીના, વીલમાં સાક્ષી તરીકે, તેમની સારવાર કરનાર ડૉક્ટરની સહી લેવી, વધારે હિતકારક છે.



* વીલના લાભાર્થીઓને, સાક્ષી તરીકે લઈ શકાતા નથી.



* એકથી વધારે પાનાંનું વીલ હોય તો, વીલના દરેક પાનાં ઉપર, વીલ લખનાર તથા સાક્ષીઓએ સહી કરવી જોઈએ, જેથી પાછળથી વીલ સાથે ચેડાં થવાની, કે આ અંગે વિવાદ થવાની શક્યતા ના રહે.



*વીલ બનાવ્યા પછી,તેને બેંકના લૉકરમાં મૂકી, તેની એક કૉપી સીલબંધ કવરમાં,તમારા વિશ્વાસુ વકીલને આપી રાખવી જોઈએ.આ અંગેની જાણ ઘરનાં અંગત સદસ્યોને પણ કરવી જોઈએ.



* વીલ બનાવ્યા પછી તમારી હયાતીમાં, તેને દર નાણાંકીય વર્ષના અંતે, ફરીથી એકવાર ફેરફાર હોય તો નોંધવાનું રાખો.



* પતિ/પત્નીએ સંયુક્ત સહીથી બનાવેલા વીલના કિસ્સામાં બંને માંથી એકનું મૃત્યુ થાયતો, હયાત વ્યક્તિએ, વીલને ફરીથી સુધારવું જોઈએ આ વીલ જો અંતિમ હોય તો તેને `આ અંતિમ વીલ છે.તારીખ-વાર-સમય` લખીને તેમાં સ્પષ્ટતા સાથે, વીલના લેખના અંતે, છેક નીચે સહી કરવી જોઈએ.

(જે મૃત્યુ પામ્યું હોય તેનો ઉલ્લેખ કરવો જોઈએ તથા સુધારાના અંતે સાક્ષીઓની સહી ફરી એકવાર લેવી જોઈએ.આ માટે અગાઉના સાક્ષીજ હોવા જરૂરી નથી.)



* અગાઉ વીલ બનાવેલ હોય તો, અંતિમ વીલની તારીખ અગાઉનાં તમામ વીલ રદ કર્યાની, જાહેરાત અંતિમ વીલમાં કરવી જોઈએ.તેની જાણ સંબંધીત લાભાર્થીઓને પણ કરવી જોઇએ.



* અંતિમ વીલ બનાવ્યા છતાં, વીલ બનાવનાર પોતાની હયાતીમાં, વીલના લાભાર્થીઓને જાણ કર્યા વગર,પોતાની સ્વઉપાર્જિત મિલકતનો વહિવટ કરી શકે છે.



* અંતિમ વીલના સમયે, વીલમાં દર્શાવેલ, મિલકત પર કોઈ પણ પ્રકાર નો બોજો (લૉન,ટેક્ષ,વહિવટી સરકારી લેણું.) હોય તો તેનો ઉલ્લેખ કરીને તે બોજો ભરપાઈ કર્યા બાદજ, લાભાર્થીને તે મિલકતનો હક્ક મળે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.



અમેરિકામાં સન- ૧૦૬૯ થી ૧૯૯૫. દરમિયાન, ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી ચૂકેલા, `Warren Earl Burger` (September 17, 1907 - June 25, 1995) ના વીલમાં,તેમની મિલકતનું વેલ્યુ સર્ટીફીકેટ અને દેવાંની ચૂકવણીનો ઉલ્લેખ ન હોવાથી, તેમની મિલક્તની કિંમતની આકારણી હજારો ડોલરમાં થઈ અને મિલકત કાનૂની ગૂંચવણમાં ફસાઈ ગઈ.



કેટલીકવાર, વીલ લખનારના ઈરાદા પળભરમાં બદલાઈ જતા હોય છે.ક્યારેક તેમાંથી રમૂજ પણ પેદા થાય છે. આવીજ એક રમૂજી વાત માણીએ.



એકવાર એક નવાસવા વકીલને ઘેર, આધેડ ઉંમરના (આશરે ૫૦ની વયના) વિધુર, નિસંતાન ભાઈ આવ્યા.તેમણે વકીલને પોતાનું વીલ બનાવી આપવા જણાવ્યું.] વકીલે વીલ તૈયાર કરવા તેમની મિલકતની વિગત પૂછી.



પેલા વિધુર ભાઈએ, જણાવ્યું," મારી પાસે પાંચ કરોડ રૂપિયા છે, પરંતુ મારી ઈચ્છા છેકે, મારી પત્ની ગુજરી ગયા પછી, છેલ્લા છ વર્ષથી હું ઘરની બહાર નીકળ્યો નથી અને મને હવોતો બધા ઓળખતા પણ નથી, તેથી મારું મૃત્યુ થાય ત્યારે, મારી પાછળ ક્રિયાકર્મ માટે રૂપિયા ચાર કરોડ વાપરીને, મારું નામ ઈતિહાસમાં, અમર થાય તેમ હું ઈચ્છું છું.'



વકીલે પૂછ્યું," અને બાકીના, રૂપિયા એક કરોડ નું શું? "



પેલા વિધુર ભાઈએ જણાવ્યું," બાકીના એક કરોડ રૂપિયા, મારી સાથે ફક્ત એક દિવસ માટે પણ લગ્ન કરવા તૈયાર થાય, તે સન્નારીને આપવા માંગું છું, આપ તેવાં સન્નારી મને શોધી આપો."



પેલા વકીલને ખૂબ ગુસ્સો આવ્યો,તેણે પેલા ભાઈને દબડાવીને, કાઢી મૂકતાં કહ્યું, " હું કાંઇ મેરેજબ્યુરો નથી ચલાવતો. જાવ અહીથી..!! ગૅટ આઉટ..!!"



પેલા ભાઈ વિલા મોંએ ત્યાંથી ચાલ્યા ગયા. જોકે, તેમના ગયા પછી આ કડકા,નવાસવા વકીલશ્રીને બહુ પસ્તાવો થયો. તેથી બીજે દિવસે સવારે તેમણે આ ભાઈની માફી માંગી, તેમને ફરીથી મળવા આવવાનું, જણાવવા ફૉન કર્યો.



જોકે, વકીલ સન્ન રહી ગયા, તે વિધુર ભાઈને ત્યાંથી ફૉન, આજ વકીલની પત્નીએ ઉઠાવી, ઠંડકથી વકીલશ્રીને જણાવી દીધું," મેં આ કરોડપતિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે, મારા લૉયર તમને, આપણા છૂટાછેડાનાં પેપર્સ પહોંચાડી દેશે."



" दोस्तों, कभी कभी ऍसा भी होता है।"
0 Responses to "વસિયતનામું"

Post a Comment

Pakko Gujarati